કાવલા-કંસરી માતાનું મંદિર

0



 


 કાવલા-કંસરી માતાનું મંદિર


પ્રકૃતિએ જયાં છુટા હાથે સૌંદર્ય વેર્યું છે એવા તાપી જિલ્લાના સોનગઢ તાલુકા મથક આશરે ૧૫ કિ.મીના અંતરે  કાવલા ગામ સાતપુડાની ઉપગિરીમાળાઓમાં પ્રકૃતિની ગોદમાં વસેલું ગામ છે કુદરતી સૌંદર્યથી ભરપુર કાવલા ગામ આદિવાસી લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં પ્રકૃતિની ગોદમાં આવેલું કંસરી માતાનું મંદિર આદિવાસી સમાજના ભાવિક ભક્તોમાં અનેરું મહત્વ ધરાવે છે. ગાઢ વનરાજી અને કુદરતી, ઝરણાઓથી શોભતા આ મંદિરે વર્ષ દરમિયાન શ્રધ્ધાળુઓની ભીડ જામેલી રહે છે. અહીં જિલ્લાના તેમજ જિલ્લા બહારથી પણ મોટી સંખ્યામાં લોકો દશનાર્થે આવે છે.



આદિવાસી સમાજના ખેડૂતોની આસ્થાની કુળદેવી એવા કંસરી માતાનું મંદિર આવેલું છે, જ્યાં સમસ્ત આદિવાસી ખેડૂતો ખેતીમાં ઉત્પન્ન થયેલ પાક સૌપ્રથમ દેવીને અર્પણ કરી પોતાની વર્ષો જૂની પરંપરાને બખૂબી નિભાવી રહ્યા છે. જ્યાં આદિવાસી સમાજના લોકોની કુળદેવી કંસરી માતાના પવિત્રધામ ખાતે વર્ષો જૂની પરંપરા આજના આધુનિક યુગમાં પણ યથાવત રહી છે. અહીંના આદિવાસી ખેડૂતો ખૂબ જ શ્રધ્ધા-ભક્તિભાવ પૂર્વક કંસરી માતાના દર્શન, બાધા અને માનતા પુરી કરવા માટે આવે છે. કંસરી માતા એટલે અન્નપૂર્ણા માઁ. માત્ર ખેતી અને પશુપાલન કરીને જીવન ગુજરાન ચલાવતા આદિવાસી ખેડૂતો પોતાના ખેતરમાં ઉત્પન્ન થયેલ ધાન્ય ડાંગર, જુવાર, શેરડી સહિત શાકભાજીનો પાક તૈયાર થાય એટલે સૌપ્રથમ કંસરી માતાને અર્પણ કરે છે. સ્થાનિક આદિવાસી લોકો ધામધૂમથી નાચગાન કરીને માતાના મંદિરે પુજા-અર્ચના કરે છે, જ્યાં સુધી કંસરી માતાને આ ધાન્ય અર્પણ નહીં થાય ત્યાં સુધી ઘરના મોભી અથવા વડીલ તે અનાજ કે, શાકભાજી આરોગતા નથી. લોકમાન્યતા એવી પણ છે કે, કંસરી માતાને ધાન્ય અર્પણ કર્યા બાદ અનાજ ઉપયોગમાં લઇએ તો ઘરમાં બરકત રહે છે, ત્યારે પોતાનો પહેલો પાક સૌપ્રથમ દેવીને અર્પણ કરી અહીના આદિવાસી ખેડૂતો વર્ષો જૂની પરંપરાને બખૂબી નિભાવી રહ્યા છે.

કાવલા જવા માટે વ્યારાથી અગાસવાણ થઇ અથવા વ્યારા-સોનગઢ રોડ  કીકાકૂઇ ગામે થઇને પણ જઇ શકાય છે.




ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)