શ્રી રામકૃષ્ણ પરમહંસ

0

શ્રી રામકૃષ્ણ પરમહંસ




 ભારતના પનોતા પુત્ર સ્વામી વિવેકાનંદના ગુરૂ શ્રી રામકૃષ્ણ પરમહંસ ને કોણ નથી જાણતું ! એમનીજ પ્રેરણાથી વિવેકાનંદજીએ હિન્દુધર્મ અને સંસ્કૃતિની ધજા વિશ્વ્વભરમાં લહેરાવી અને ભારતના છેવાડાના વ્યકિતનું જાગરણ કરવાનો પ્રયત્ન કર્યો. પ.પૂ. રામકૃષ્ણના મહાસમાધિ પછી કેટલાય વર્ષે રામકૃષ્ણ મઠની સ્થાપના થઇ. જેનો ઉદ્દેશ ભારતનું અધ્યાત્મિક જાગરણ કરવાનો હતો.
 શ્રી રામકૃષ્ણનો જન્મ ૧૮-૨-૧૮૩૬ માં એક ગરીબ પણ પવિત્ર બ્રાહ્મણ કુટુંબમાં કામારપુકુર ગામે થયો. જે કોલકતાથી ૬૦ કિમી દૂર છે. એમના પિતાજીનું નામ ક્ષુદિરામ અને માતાજીનું નામ ચંદ્રાદેવી હતું. રામકૃષ્ણના જન્મ પહેલા એમના માતાપિતાને સ્વપ્નમાં ભગવાને દર્શન આપી પુત્રરૂપે અવતરવાનો સંકેત આપ્યો હતો. બાળપણથીજ રામકૃષ્ણ ભગવાનની તરફ પુરેપુરા સમર્પિત હતા. જેથી એમણે ભૌતિક જગતમાં બીલકુલ રસ નહતો. તેવીજ રીતે સામાન્ય શિક્ષણ પણ એમણે લીધુ નહતુ. ઘણીવાર તેઓ પૂજાઅર્ચામાં અને કિર્તનમાં પોતાનું દેહભાન ભૂલી જઇ ધ્યાનાવસ્થામાં સરી પડતા હતા. એમના મોટા ભાઇ કોલકતામાં હોવાથી રામકૃષ્ણ પણ કોલકતા પહોંચી ૧૯ માં વર્ષે કાલીમંદિરના પૂજારી તરીકે કામ કરવા માંડયા. એમનું નામ પહેલા ગદાધર હતું. તેઓ રામ, કૃષ્ણ વિગેરેના ચરીત્રો ઉપર નાટકો પણ કરતાં. તેમજ વિવિધ દેવતાઓના ઉત્તમ ચિત્રો અને માટીની મૂર્તિ તૈયાર કરતા. તેઓના લગ્ન શ્રી શારદાદેવી જોડે થયા હતા પરંતુ તેઓ એમનામાં કાલીમાંનું જ દર્શન કરતા હતા. લગભગ ૧૨ વર્ષની સાધના પછી તેઓએ ઇશ્વ્વર સાક્ષાત્કારનો અનુભવ કર્યો. એમને ઇસ્લામ અને ક્રિશ્ચન ધર્મનો અભ્યાસ કરીને જાણ્યું કે બધાજ  પંથો એકજ પરમ તત્વને પામવાનો પ્રયત્ન કરે છે. તેઓ નિર્ણયપ્રત આવ્યા કે મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય ઇશ્વ્વર પ્રાપ્તિ જ છે. ઇશ્વ્વર એક જ છે અને ગમે તે માર્ગથી પામી શકાય છે. બધાજ પંથો, ધર્મો સાચા છે. હૃદયમાં પવિત્રતા અને ઇશ્વ્વર પ્રત્યેનો વિશ્વ્વાસ કોઇને પણ ઇશ્વ્વર પ્રાપ્તિ કરાવી શકે છે. પ્રાણીમાત્રમાં ઇશ્વ્વરને જોવુ એજ સાચો ધર્મ છે. નરેન્દ્રનાથ જેવા ધણાં બધા યુવકો રામકૃષ્ણની ભાવ સમાધી, ઇશ્વ્વર પ્રત્યેની આસ્થા, સ્વભાવની સરળતા વિગેરેથી આકર્ષાઇને એમના શિષ્યો થયા.
 ૧૮૮૬માં એમણે મહાસમાધી લીધી અને વિવેકાનંદજી જેવા નવયુવકોને ભારત ઉત્થાનની કામગીરી સોંપી. જાન્યુઆરી ૧૯૦૧ માં રામકૃષ્ણમઠ અને ૧૯૦૯માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી અને બધા યુવાન સંન્યાસી મિત્રોએ સેવાકાર્યોની શરૂઆત કરી. તેઓ માનતા હતા કે બધાજ આત્માઓમાં પરમાત્માનો અંશ છે જેથી કોઇપણ વ્યકિત દિવ્યતા પ્રાપ્ત કરી શકે છે. મુખ્ય ચાર યોગ થકી  જ્ઞાનયોગ, ભકિતયોગ, રાજયોગ અને કર્મયોગ ઇશ્વ્વર પ્રાપ્તી સંભવ છે. ઇશ્વ્વર એકજ છે બધા જુદા-જુદા નામોથી ઓળખે છે. કોઇપણ કામ એ પવિત્ર છે અને એજ પૂજા છે. જનસેવા એજ પ્રભુ સેવા છે. ગરીબ અને છેવાડાના લોકોની સેવા એ આધ્યાત્મિકતા નો જ એક ભાગ છે. આવા ઉચ્ચ વિચારો સાથે સ્વામી વિવેકાનંદે તથા એમના સંન્યાસી ગુરૂબંધુઓએ રામકૃષ્ણ મઠ અને મીશન નું કામ ૧૦૦ વર્ષ પહેલા શરૂ કર્યુ અને આજે લગભગ ૧૫૦ કેન્દ્ર થકી દેશ વિદેશમાં અધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યો થઇ રહ્યા છે.
 ઘણાબધા શાખા કેન્દ્રો બાળક સંઘ અને યુવક સંઘની પ્રવૃત્તિઓ ચલાવે છે જેમાં અલગ અલગ સંસ્કાર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સંચાલન થાય છે. મીશન તરફથી ધરતીકંપ, વાવાઝોડુ, પુર વિગેરે કુદરતી આપત્તિઓના સમયે અત્યાર સુધી લગભગ ૧૦૦૦ ગામડાઓમાં કરોડો રૂપિયાની મદદ લાખો લોકો સુધી પહોંચાડેલ છે. મીશન તરફથી ૧૫ હોસ્પિટલ (૨૦૦૦ થી વધુ પથારીઓ), ૧૨૦ આઉટડોર દવાખાનાઓ અને ૪૬ હરતાફરતા દવાખનાઓ ચલાવાય છે જેમાં વર્ષે-દહાડે લાખો લોકો લાભ લે છે. શૈક્ષણિક ક્ષેત્રમાં ૧૨ કોલેજ, ૪૨૮ શાળા, ૧૧૯ છાત્રાલયો તથા ૬ અનાથાલયો પણ ચાલી રહ્યા છે. ગ્રામીણ અને વનવાસી ક્ષેત્રમાં પણ મીશન તરફથી ઘણાબધા કાર્યક્રમો થકી કરોડો રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. તે સીવાય પલ્લીમંગલ પ્રવૃત્તિઓમાં વિવિધ ક્ષેત્રોમાં અનેક ગામડાઓને આવરી લેવામાં આવેલ છે. જેમાં પુસ્તકાલયો, દૂધ અને ટીફીન વિતરણ કેન્દ્રો, ઓછી કિંમતના પાકા મકાનો, કુવાનું ખોદકામ અને ગ્રામીણ ઉદ્યોગોના કાર્યક્રમ થાય છે.
 શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ જેવા અધ્યાત્મિક મહાત્માઓ ના શકિત ઉપરજ ભારતવર્ષ ફરીથી વિશ્વ્વગુરૂ પદે આરૂઢ થશે. 

સ્ત્રોત : વેબસાઈટ (ઈન્ટરનેટ)

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)