Martyrs'Day

0

શહીદ દિવસ


શહીદ દિવસે દેશવાસીઓ દેશ માટે કુરબાની આપનાર વીર શહીદોને યાદ કરતા હોય છે. સાથે આ દિવસે આપણે એ મહાપુરુષોને પણ યાદ કરીએ છીએ જેમણે દેશને આઝાદ કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું.

આપણે દર વર્ષે અલગ-અલગ દિવસે શહીદ દિવસ મનાવી છીએ. તેમાથી એક દિવસ 30 જાન્યુઆરી પણ છે. આ તારીખે જ રાષ્ટ્રપિત મહાત્મા ગાંધીની ગોળી મારી હત્યા કરી નાંખવામાં આવી હતી. દર વર્ષે આપણે મહાત્મા ગાંધીની સાથે-સાથે દેશ માટે પોતાનુ બલિદાન આપનાર શહીદોને પણ યાદ કરીએ છીએ.

શહીદ દિવસના રૂપે આ તારીખ સૌથી મહત્વપૂર્ણ છે. આ દિવસે વર્ષ 1948 ના રોજ નાથુરામ ગોડસે મહાત્મા ગાંધીની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદથી આપણે દર વર્ષે 30 જાન્યુઆરીને મહાત્મા ગાંધીને યાદ કરીએ છીએ. આ દિવસે વિશેષ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન પણ કરવામાં આવે છે.
કેવી રીતે મનાવાય છે શહીદ દિવસ ?

દર વર્ષે આ દિવસે રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રક્ષા મંત્રી અને ત્રણ સેનાના પ્રમુખ રાજઘાટ સ્થિત મહાત્મા ગાંધી ની સમાધિ પર તેમને શ્રદ્ધાંજલિ આપે છે. સાથે સેનાના જવાન આ સમયે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા તેમના માનમાં પોતાના હથિયાર નીચે મુકે છે.


30મી જાન્યુઆરી એ સમગ્ર દેશમાં ‘શહીદ દિવસ’ તરીકે ઉજવાય છે. આ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નવી દિલ્હી ખાતે હત્યા થઇ હતી. બાપુના નિર્વાણ દિવસને આઝાદીની સમસ્ત ચળવળ દરમિયાન દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોને યાદ કરી બપોરે 11:૦૦ વાગે સમગ્ર દેશમાં બે મિનિટનું મૌન પાળવાની પ્રથા છે.

અહિંસા, ભાઈચારો, સત્ય જેવા સનાતન મુલ્યો માટે જીવન પર્યંત સંઘર્ષ કરનાર ગાંધી બાપુના જીવનમાંથી દેશ અને દુનિયામાં અનેક માણસોએ પ્રેરણા મેળવી છે અને પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે. અનેક રાષ્ટ્ર-પ્રમુખોએ તેમના સિદ્ધાંતો દ્વારા પોતાના રાજકીય અને સામાજીક કાર્યક્રમોની રૂપરેખા ઘડીને સફળતા મેળવી છે. દુનિયામાં હાલમાં પણ ગાંધીજીના જીવન મુલ્યોને અનુસરનાર એક ખુબ મોટો વર્ગ છે. તેની સામે આપણા દેશમાં ગાંધી મૂલ્યોનો હ્રાસ થઇ રહ્યો હોય તેવું અનુભવાઈ રહ્યું છે. રાજકીય નેતાઓ અને પક્ષો માટે ગાંધીજી માત્ર નામ બની રહ્યા છે. મત મેળવવા આ નામની જરૂર હોવાથી અનિચ્છાએ પણ તે નામનો ઉપયોગ તો કરીએ છે પણ નીતિઓ અને જીવનમાંથી ગાંધી-મુલ્યો ધીમે ધીમે ભુલાઈ રહ્યા હોય તેમ સામાન્ય લોકોને લાગી રહ્યું છે. આવામાં ‘શહીદ દિવસ’ એ માત્ર ઔપચારિકતા બની રહે છે. કેટલાક તો બે મિનિટનું મૌન પણ પાળતા નથી. કેટલાકને ગાંધીજીના મુલ્યો પસંદ ના હોય તે શક્ય છે. લોકશાહીમાં દરેકને પોતાનો મત રજુ કરવાનો અધિકાર છે. પણ ‘શહીદ દિવસ’  એ સમગ્ર દેશના શહીદોને યાદ કરવાનો અવસર છે. આ દિવસનું માન સચવાય એ ઇચ્છનીય છે.

આજે દુનિયાભરમાંથી આયાત કરેલી ચીજ વસ્તુઓ માટે ભારત એ બજાર બન્યું છે ત્યારે ગાંધીની સ્વદેશીની વિચારસરણી આપણને ના ગમે. ડગલે ને પગલે જુઠ ઉપર ટકેલો આજનો વ્યવહાર ગાંધીના સત્યના આગ્રહને ના માને. રોજ-બરોજ હિંસાને મહત્વ આપતો આજનો સમાજ ગાંધીના અહિંસાના સિદ્ધાંતને ના સમજે. દેખાડો કરવાના શોખીન આપણને એક પોતડીમાં લપેટાયેલા ગાંધીનું શરીર ફેશનેબલ નહી લાગે. આ બધું સ્વાભાવિક લાગે છે પણ જે સમય, વાતાવરણ અને પરિસ્થિતિઓમાં આ સિદ્ધાંતો સાથે ગાંધીજી જીવ્યા એ પરિસ્થિતિઓ આજના કરતા વધારે પ્રતિકુળ હતી. અને એટલે જ આજે અગાઉ કરતા પણ વધુ ગાંધી મુલ્યોના ફેલાવાની જરૂર છે. સાચે જ, આઇન્સ્ટાઇને ગાંધીજી માટે કહેલું કે ‘લોકો વિશ્વાસ નહી કરે કે હાડ-માંસનો આવો માનવી ખરેખર જીવતો હતો’.  અર્થાત, આવા મુલ્યો સાથે જીવાય તેવું લોકો માની પણ નહી શકે. એ કથનને આજે આપણે એક સદી કરતા પણ ઓછા સમયમાં સાચુ સાબિત કરી દીધું.

માભોમની સ્વતંત્રતા અને ખુશહાલી માટે કુરબાની આપનાર તમામ નામી-અનામી શહીદોને કોટી કોટી વંદન કરી દેશના સામાન્ય જન તરીકે આવો આપણે સૌ ‘શહીદ દિવસ’ ને મન, કર્મ અને વચનથી સાર્થક કરવાનો સંકલ્પ કરીએ.

સ્ત્રોત: ઈન્ટરનેટ, બ્લોગ્સ

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)