કહેવતો

0

 કહેવતો




·        હીરાની પરીક્ષા ઝવેરી જ કરી જાણે - ગુણની કદર ગુણવાન વ્યક્તિ જ કરી જાણે. 

·        મન હોય તો માળવે જવાય-ઈચ્છા હોય તો બધું થાય.

·        દુકાળમાં અધિક માસ - જીવનમાં એક આફત પર બીજી આફત આવે તે સ્થિતિ.

·        ઝાઝા હાથ રળિયામણા- વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ ઝડપી અને સારું થાય છે.

·        ઉતાવળે આંબા ન પાકે - ઉતાવળ કરવાથી કોઈપણ કામ સારી રીતે થઈ શકતું નથી.

·        ન બોલ્યામાં નવ ગુણ  - કોઈ ગંભીર વાત જોવા-જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે.

·        પાકે ઘડે કાંઠા ન ચડે વખત - વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે.

·        આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ  - જાત મહેનત સર્વ શ્રેષ્ઠ છે.

·        ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન- બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.

·        ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા - એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.

·         કૂવામાં હોય તો હવાડામાં આવે - કૂવામાં જ પાણી ના હોય તો તેના પર બનાવેલા હવાડામાં પાણી શી રીતે ભરી શકાય - એ પ્રમાણે મા બાપ ના સંસ્કાર હોય તો તે ઉતરે, નહીં તો તેઓ સંસ્કારહીન જ રહે.

·        ઘી ઢળ્યું તો ખીચડીમાં - પોતાને જ લાભ થવો.

·        ચમડી તૂટે પણ દમડી ન છૂટે -  દુઃખ સહન કરે પણ ધન ન વાપરે.

·        રામ રાખે તેને કોણ ચાખે? - પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે.

·        આપ મુવા વિના સ્વર્ગે ન જવાય - જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી.

·        પારકી મા જ કાન વિંધે - લાગણીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ શિક્ષણ કે તાલીમ આપી શકે.

·        બાંધી મુઠી લાખની કોઈ - ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે.

·        ભાવતું હતું ને વૈધે કહ્યું  - પોતાને ગમતું હોય અને સ્વજન તેમ કરવાનું કહે.

·        મુખમાં રામ અને બગલમાં છુરી - દેખાવે સારો પણ દિલમાં કપટી.

·        વાડ વિના વેલો ન ચડે - ઊંચુ સ્થાન મેળવવા કોઈ મોટા ની ઓથ હોવી જોઈએ.

·        વખાણી ખીચડી દાંતે વળગે -  વખાણીએ તે જ ખરાબ નીવડે.

·        હોઠ સાજા તો ઉત્તર ઝાઝા- વાણીશક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય.

·        ટકે શેર ભાજી,ટકે શેર ખાજા - સારું નરસું સૌ સરખું

·        લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ન મરે - લોભ કરનાર છેતરાય છે.

·        હાથે તે સાથે- જાતે કરીએ તે જ પામીએ.

·        એક પંથ ને દો કાજ-એક કામ કરતા બે કામ થાય.

·        ઘેર ઘેર માટીના ચૂલા- કોઈ કુટુંબ તકરારવિહોણું ન હોય.

·        મન ચંગા તો કથરોટમાં ગંગા-અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી.

·        નહિ મામા કરતા કાણો મામો સારો- કશું ન હોય તેના કરતાં થોડું પણ હોય તે સારું.

·        દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી-શોભાની શોભા ને કામનું કામ એમ બંને હેતુ સરે.

·        સાપ ગયા ને લિસોટા રહ્યા- કાર્ય પૂરું થઈ ગયા પછી પણ તેના સંસ્કાર રહી જાય છે.

·        તેલ જુઓ ને તેલની ધાર જુઓ- સંજોગો જોઈને ધીરજથી કામ કરો.

·        ગામને મોઢે ગળણું ન દેવાય - બધાને ટીકા કરતા એકસાથે ન અટકાવી શકાય.

·        લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા  જવાય. - આવેલી તકને ન ગુમાવાય.

·        ઘર ફૂટયે ઘર જાય-ઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.

·        સંપ ત્યાં જંપ - સંપ હોય તો સુખી થવાય.

·        પાકે ઘડે કાંઠા ન ચઢે - મોટી ઉંમરે કોઈ વસ્તુ ના શીખી શકાય.

·        ગરજ સરીને વેદ વેરી - સ્વાર્થ પૂરો એટલે સંબંધ પૂરો.

·        ઊંઘ ન જુએ સાથરો, ભૂખ ન જૂએ ભાખરો - ઊઘ આવી હોય ત્યારે પાથરણું પણ ભૂલી જવાય, ભૂખ લાગી હોય ત્યારે સૂકો રોટલો પણ મીઠો લાગે.

·        ગાયને દોહી કૂતરીને પાવું - મહેનત વ્યર્થ જવી.

·        બૈરા ની બુદ્ધિ પગની પાનીએ- સ્રીઓ મોટે ભાગે પાછળથી વિચારતી હોય છે એવી લોકવાયકા છે.

·        રામ રાખે તેને કોણ ચાખે -  ભગવાન સાચવે તેને કોઈ મારી ન શકે.

·        નહી ઘરના કે નહીં ઘાટના - બન્ને માંથી એકેય તરફ રહેવું.

·        મોરનાં ઈંડા ચીતરવાં ન પડે - માતા પિતાના સંસ્કાર સંતાનોમાં આપો આપ ઉતરે જે કેળવવા ના પડે.

·        બોલે તેના બોર વેચાય - જે વ્યક્તિ બોલે તે કાંઇક  કરી શકે.

·        ભસતો કૂતરો કરડે નહી - બોલનાર માણસ કામ કરવામાં કાચો હોય છે.

·        ગામમાં ઘર નહિ અને સીમમાં ખેતર નહિ - સાવ ગરીબ હોવું.

·        કાગડાનું બેસવું ને ડાળનું ભાંગવું - અકસ્માતે ઘટના બનવી.

·        સત્તા આગળ શાણપણ નકામું - અધિકારીને સલાહ ન અપાય.

·        ૨જનું ગજ કરવું - નાની વાતને ખુબ મોટું સ્વરૂપ આપવું.

·        કૂતરાનો સંઘ કાશીએ ન પહોચે - અંદર અંદર લડાઈ કરનારા કશી સફળતા મેળવી શકતા નથી.

·        ન બોલવા માં નવ ગુણ - જરૂર ના હોય ત્યાં ના બોલવું.

·        ઉજ્જડ ગામ માં એરંડો પ્રધાન - બધા મૂર્ખ વચ્ચે, થોડો હોશિયાર માણસ પણ શાણો.

·        સંપ ત્યાં જંપ - બધા વ્યક્તિઓ માં સંપ હોય તો શાંતિ હોય.

·        લંગડી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે - એક વ્યક્તિ કામ કરે અને બીજા ઘણા વ્યક્તિ ને તેજ કામમાં રોકી રાખે.

·        વાવો તેવું લણો – જેવું કામ કરો તેવું ભોગવવું પડે.

·        ટીપે ટીપે સરોવર ભરાય - થોડું થોડું ભેગું કરતા વધુ માત્રા માં એકઠું થાય.

·        ઉજ્જડ ગામમાં વાગે ઢોલ- નિર્જન ગામમાં જાહેરાત કરવાનો કોઈ અર્થ રહેતો નથી.

·        ભલાની દુનિયા નથી- ભલા માણસને બહુ દુઃખ આવે.

·        ખાળેડ્ચો ને દરવાજા મોકળા- નાની વસ્તુની ચિંતા કરે ને મોટું નુકસાન સહન કરે.

·        વાડ સાંભળે વાડનો કાંટો ય સાંભળે- ગુપ્ત વાત કોઈ જાણી જાય.

·        છાસમાં માખણ જાયને વહુ ફુવડ કહેવાય- નુકસાન થાય અને મૂર્ખ ગણાય.

·        રાંડી પુત્તર શાહજાદા- વિધવાના છોકરાં સ્વચ્છંદી થઈ જાય.

·        તેલ જોવું ને તેલની ધાર જોવી- કોઈપણ કાર્ય ખૂબ સમજી વિચારીને કરવું.

·        ગોળ નાખે તેટલું ગળ્યું થાય- જેટલો સહકાર આપો તેટલો સહકાર મળે.

·        ગરીબની વહુ સૌની ભાભી- નબળા તરફ સૌ કુદ્રષ્ટિ કરે.

·        અક્કર્મીનો પડિયો કાણો- કમનસીબને દુઃખ જ મળે.

·        કજિયાનું મો કાળું- ઝઘડાનું પરિણામ ખરાબ જ આવે.

·        ઘરનાં છોકરાં ઘંટી ચાટે- ઘરમાં તકલીફ હોય અને અન્યને મદદ કરે તે.

·        બાઈ બાઈ ચારણી- જવાબદારી બીજાને સોપવી.

·        સાચને નહી આંચ- સત્યનો હંમેશા વિજય થાય છે.

·        સાપ ગયાને લિસોટા રહી ગયા- મૂળ વસ્તુ ગઈ માત્ર નિશાની જ રહી ગઈ.

·        વાવે તેવું લણે- જેવું કાર્ય કરે તેવું કળ મળે.

·        તીર નહી તો તુક્કો- કામ થાય તો ઠીક છે.

·        દીવા પાછળ અંધારું- સારા માણસની પાછળ સારા માણસ તેયાર થતાં નથી.

·        દુઃખનું ઓસડ દહાડા- ગમે તેવું દુઃખ દિવસો થતાં વિસરી જાય છે.

·        વહુ અને વરસાદને જશ નહીં- લોકો ગમે તેમ બોલ્યા કરે.

·        ખોધો ડુંગર ને નીકળ્યો ઉંદર- ખૂબ મહેનત પછી પરિણામ શૂન્ય આવે.

·        ન રહે વાંસ ન વાગે વાંસળી- નામોનિશાન મીટાવી દેવું.

·        દેશ તેવો ભેસ- જગ્યા  પ્રમાણે વર્તન કરવું.

·        સુથારનું ચિત્ત બાવળિયે- માણસને ગમતી વાતમાં વધુ રસ પડે.

·        વિનાશ કાળે વિપરિત બુધ્ધિ- અંત આવે ત્યારે બુધ્ધિ બગડે.

·        દૂબળું ઢોર કસકીએ રાજી- ગરીબ માણસ થોડામાં સુખી.

·        લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મો ધોવા ન જવાય- મળેલી તકને ચૂકાય નહી.

·        પાપનો ઘડો ફૂટ્યા વગર ન રહે- પાપ તો જાહેર થાય જ.

·        ગાજ્યા મેઘ વરસે નહિ- જેટલું બોલે તે પ્રમાણે કરે નહી.

·        જાગ્યા ત્યારથી સવાર- દોષ દેખાય ત્યાંથી નવી શરૂવાત કરવી.

·        જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી- રાજા જ પ્રજાને લૂંટે.

·        મંદિર નાનું ને ભગતડાં ઘણા- જગ્યા થોડીક અને તેનો ઉપયોગ કરનારા ઘણા.

·        એક કાને સાંભળી બીજે કાને કાઢી નાખવું- વાતને ધ્યાનમાં ન લેવી.

·        આગ લાગે ત્યારે ફૂવો ના ખોદાય- મુશ્કેલીના સમય ઉપાય શોધવા ન બેસાય.

·        ડુંગરા દૂરથી રળિયામણા- પરિચય વિનાનું જ સારું લાગે.

·        અન્ન તેવો ઓડકાર- જેવું કાર્ય તેવું પરિણામ.

·        જશને માથે જૂતિયાં- કદરને બદલે તિરસ્કાર.

·        વાર્યા ન વરે તે હાર્યા વરે- કોઈ ઉપાય ન રહે ત્યારે થાકીને પાછા વળે.

·        ભણ્યો ભૂલે ને તારો ડૂબે- ક્યારેક સમજુ વ્યક્તિ પણ ભૂલ કરે.

·        ભાગ્યશાળીને ભૂત રળે- નસીબદારને બધું જ સરળતાથી મળતું હોય છે.

·        દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં- જે માર્ગે પૈસા આવ્યા હોય એ માર્ગે જ જાય.

·        જાત વિના ભાત નપડે- જાતે રસ લીધાં વિના સારુ પરિણામ ન આવે.

·        જર ચાહ્યાં સો કર- પૈસાથી બધું જ થાય.

·        કરવા ગયા કંસાર થઈ ગઈ થૂલી- સારું કામ કરવા જતાં કામ વધુ બગડી જવું.

·        લીલા વનના સૂડા ઘણા- લાભ હોય ત્યાં ઘણા માણસો દોડી આવે.

·        ખાડો ખોદે તે પડે- બીજાને હાનિ કરનાર ખુદ નુકસાનમાં ઊતરે છે.

·        દૂર થી ડુંગર રળિયામણાં - દૂર થી બધું સારું લાગે.

·        શેરને માથે સવાશેર- તાકાતવર ને તેનાથી વધુ તાકાતવર મળે જ.

·        વધુ હાથ રળિયામણાએક કરતા વધુ વ્યક્તિ કામ કરતા ઝડપી થાય.

·        કૂતરાની પૂંછડી જમીન મા દાટો તો પણ વાંકી ને વાંકી જ રહે- માણસ પોતાની પ્રકૃતિ કોઈ દિવસ ના ભૂલે.

·        હસે તેનું ઘર વસે- હસતો વ્યતિ બધાને સારો લાગે.

·       પારકી આશા સદા નીરાશા- બીજા ઉપર આધાર રાખી ક્યારેય ના જીવાય.

·        દશેરા ના દિવસે ઘોડા ન દોડે- જરૂર હોય ત્યારે જ વસ્તુ કે વ્યક્તિ કામ ના કરે.

·        એક સાંધતા તેર તૂટે- એક વસ્તુ સરખી કરતા બીજી બગડે.

·        કૂવામાં હોય તો અવાડામાં આવે- બાપ પાસે હોય તો દીકરા ને મળે.

·        ગાંડાના ગામ ન હોય- મૂર્ખ માણસ તો ગમે ત્યાં મળી જાય.

·        સુકા સાથે લીલુ પણ બળે- દોષી સાથે નિર્દોષ પણ મુશ્કેલી માં મુકાય.

·        લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય- તક મળતા તરત ઝડપી લેવાય.

·        પગ જોઈને પથારી તાણો- પોતાની શક્તિ જોઈને કામ કરવું.

·        વીતી હોય તે જાણે- દુઃખનો અનુભવ તો દુઃખી જ જાણતો હોય.

·        વઢકણી વહુએ દીકરો જણ્યો- પોતાનો ઉગ્ર સ્વભાવ હતો અને વધુમાં મિથ્યાભિમાન ભળ્યું.

·        મેરી બિલ્લી મુજકો મ્યાઉ?- જેને આશરો આપ્યો તે જ બેવફાઈ કરે.

·        જુવાનીનું રળ્યું ને પરોઢિયાનું દળ્યું- સમયસર કામ કરેલું જ ઉપયોગી બને

·        ચોરનો ભાઈ ઘંટી ચોર- બંને પક્ષ સરખા

·        ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?- અનુભવ ના હોય તેને આનંદની ખબર ક્યાંથી?

·        પાડાના વાંકે પખાલીને ડામ- ગુનો બીજો કરેને સજા બીજાને મળે.

·        નવી ગિલ્લીને નવો દાવ અથવા નવા નાકે દિવાળી - નવેસરથી પ્રારંભ કરવો.

·        રાંડ્યા પછી ડહાપણનું શું કામનુક્સાન થયા પછી પસ્તાવો કરી શું ફાયદો.

·        સોનાની થાળીમાં લોઢાનો મેખ- સારી વસ્તુ કલંકિત કરવી.

·        મોઢે રામને બગલમાં છરી- બહારથી સજ્જન પણ મનમાં કપટ.

·        બેની લડાઈમાં તીજો ફાવે- કુસંપ હોય ત્યાં ત્રીજો વ્યક્તિ લાભ લઈ જાય.

·        છાણના દેવને કપાસિયાનો આંકો- લાયકાત મુજબનું માન

·        વખાણી ખીચડી દાંતે વળગી- વખાણેલી વસ્તુ ખરાબ નીકળવી

·        દુઃખનું ઓસડ દહાડા- સમય જ માણસ નું દુઃખ ઓછું કરે છે.

·        પુત્રનાં લક્ષણ પારણામાં- સાચું સ્વરૂપતો શરૂઆતથી જ દેખાય.

·        દુષ્કાળમાં અધિક માસ- જીવનમાં એક આફત ઉપર બીજી આફત આવવી.

·        દોરી બળે પણ વળ ન છૂટે- મરણ સુધી પણ માણસની સ્વભાવ ના બદલાય.

·        ધીરજનાં ફળ મીઠા- ધૈર્ય રાખવાથી કામ સારુ થાય

·        દીકરો થઈને ખવાય બાપ થઈને નહી- નમ્ર સ્વભાવ થી કોઈ વસ્તુ મંગાય, સામા થઈને નહી.

·        ધોળું એટલે દૂધ નહિ- બાહ્ય દેખાવ સારો ન પણ હોય શકે.

·        ધરમ કરતાં ધાડ પડવી- સારું કામ કરવા જતાં આપત્તિ આવવી.

·        નામ મોટાં ને દર્શન ખોટાં- વ્યક્તિ કે વસ્તુ ના નામ પ્રમાણે ગુણ ન હોવા

·        ભગાના ભાઈ જેવું કરવું- મૂ્ખતાભર્યું કામ કરવું.

·        ગરજ સરી કે વેધ વેરી- કામ પતી જતા સ્વાર્થી બની જવું

·        ખુદા મહેરબાન તો ગધા પહેલવાન- ઈશ્વરની કૃપા હોય તો નિર્બળ પણ બળવાન બની શકે.

·        સત્તા આગળ શાણપણ નકામું- અધિકાર પાસે માણસનું કૌશલ કામ આવતું નથી.

·        દૂધ પાઈને સાપ ઉછેરવો- આશ્રય આપીને પોતાના માટે ઉપાધિ ઊભી કરવી

·        જર, જમીન ને જોરું ત્રણેય કજિયાના છોરું- આ ત્રણેય વસ્તુ ઝઘડાનું મૂળ બની શકે છે.

·        ડાહ્યો દીકરો દેશાવર ભલો- સારી વસ્તુની કિમત તો બીજે જ થાય.

·        જમવામાં જગલો ને ફૂટવામાં કેશવો- લાભ કોઈ લે અને મહેનત બીજો કરે.

·        ચોર કોટવાળને દંડે- ગુનેગાર જ ન્યાય કરે.

·        સોમણ તેલે અંધારા- પ્રયત્નો હોવા છતાં નિષ્ફળતા મળવી.

·        ભાવતું હતું ને વેધે કહ્યું- પોતાને પસંદ હોય અને હિતેચ્છુ પણ એ જ સૂચવે.

·        ઊજ્જડ ખેડે બાજ્યું ઢોલ- દંભી ગુરુના વચન ઢોલ જેવાં પોલાં હોય છે.

·        આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય- જાતે કામ કર્યા વિના સારું કામ થવાની આશા ન રખાય.

·        ઘેટી ચરવા ગઈને ઊન મૂકીને આવી- થોડોક મેળવવા જતા મોટું નુકસાન વેઠવું.

·        બોડી બામણીનું ખેતર- માલિકના અધિકાર વગરનું ક્ષેત્ર.

·        આખુ કોળું શાકમાં- મુખ્ય વાત જ વિસરાઈ ગઈ.

·        સૂંઠના ગાંગડે ગાંધી- નાની એવી વસ્તુ થી મોટું નામ કમાવવું.

·        અણી ચૂક્યો સો વરસ જીવે- એક વાર બચી જનારની જીવાદોરી લંબાય.

·        મા તે મા બીજા બધા વગડાના વા- મા ની સરખામણીએ કોઈ જ ન આવે.

·        પારકી માં જ કાન વીધે- અપરિચિત વ્યક્તિ જ માણસને સાચો અનુભવ કરાવે.

·        માગ્યા વિના માં પણ ન પીરસે- કહ્યા વિના કોઈ આપે નહીં.

·        અતિ લોભ પાપનું મૂળ- જીવન માં બહુ લોભ સારો નહી.

·        લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે- અતિશય લોભમાં લોકો છેતરાઈ જાય.

·        લોભિયા ના ધન ધુતારા ખાય- અતિ લોભ ધરાવતો વ્યક્તિ વધુ છેતરાય.

·        ભૂખથીય ભૂંડી ભીખ- જીવન માં ભૂખ કરતાં સ્વાભિમાન મોટું છે.

·        નાનો તોય રાઈનો દાણો- નાની વસ્તુ પણ શક્તિશાળી હોય શકે છે.

·        ઘર વેચીને તીરથ કરવું- પોતાનું નુકસાન સહન કરવું.

·        ઘરડાં ગાડા વાળે- અનુભવી જ ઉપાય બતાવે.

·        મન હોય તો માળવે જવાય- મન મક્કમ હોય તો કોઈ પણ કામ કરી શકાય.

·        કુંભાર કરતાં ગધેડા ડાહ્યા- માલિક કરતાં તેના નોકરો વધુ ડહાપણ દેખાડે.

·        સૂતો સાપ જગાડવો નહી- સામે થી મુશ્કેલી ને આમંત્રણ ના અપાય.

·        ધૂળમાંથી ધાન પેદા કરવું- કોઈ વસ્તુ નું શૂન્યમાંથી સર્જન કરવું

·        નાણા વગરનો નાથિયો ને નાણે નાથાલાલ- માણસની કિંમત તેની આર્થિક સ્થિતિ ઉપરથી આંકવામાં આવે છે.

·        તમાશાને તેડુ ન હોય- ઝઘડો થાય ત્યાં માણસ ભેગું થતાં વાર ન લાગે.

·        માથા કરતાં પાઘડી મોટીશક્તિ ન હોવા છતા મોટી જવાબદારી ઊઠાવવી.

·        ઘરના ભુવા ઘરના ડાકલા- કોઈ પણ વસ્તુ માં બધા પોતાના વ્યક્તિ.

·        ઠોઠ નિશાળિયાને વતરણાં ઝાઝાભણવું ન હોય તે વેન વધારે કરે

·        વાડ વિના વેલો ના ચડે- આધાર વિના પ્રગતિ ના થાય.

·        ચિતા ચિંતા સમાન- ચિંતા માણસને જીવતા બાળે છે.

·        રાજા ને ગમી તે રાણી- જેને જે પસંદ આવે તે, તેમાં અન્ય વ્યક્તિ ના અભિપ્રાય નું શું કામ.

·        ઓછું પાત્રને અદકું ભણ્યો- જ્ઞાન ઓછું હોય પણ ડોળ વધારે કરે.

·        ખાલી ચણો વાગે ઘણો- અધૂરા જ્ઞાનવાળો વધુ બડાશ મારે.

·        કીડીને કણ અને હાથીને મણ- જેટલી જેની જરૂરત તે પ્રમાણે તેને મળવું જોઈએ.

·        સુથારનું મન બાવળિયે- દરેક વ્યક્તિને તેના ધંધા પ્રમાણે સ્વાર્થમાં નજર હોય.

·        ધરમની ગાયના દાંત ના જોવાય- મફત મળેલી વસ્તુના દોષ ન જોવા.

·        ગરજે ગધેડાને બાપ કહેવો- ગરજમાં પાત્રતા જોવામાં આવતી નથી.

·        ઝાઝી કીડીઓ સાપને તાણે- ઓછા બળવાન પણ વધારે સંખ્યામાં હોય તો બળવાનને પણ હંફાવે.

·        કાશીએ કાગડા કાળા- બધે એક સરખી પરિસ્થિતિ હોવી.

·        પહેલો સગો પાડોશી- મુશ્કેલીમાં પાડોશી જ કામ આવે.

·        રંકને ઘેર રતન- ગરીબ મા બાપના ઘરે તેજસ્વી સંતાન.

·        કાચના ઘરમાં રહીને પથ્થર ન ફેંકાય- દોષિત માણસ બીજાના દોષ ન કાઢી શકે.

·        ડાંગે માર્યા પાણી જુદા ન પડે- સાથે રહેતા હોય તે જલદી જુદા ન થઈ શકે

·        કોટમાં માળા અને હેયે લાળા- બહારનું અને અંદરનું વર્તન જુદું હોવું.

·        મનમાં પરણ્યા ને મનમાં રાંડ્યા- પોતાના સુખ દુઃખની બીજાને ખબર ન હોવી.

·        દીકરી અને ગાય દોરે ત્યાં જાય- દીકરી અને ગાયને બીજાની ઈચ્છા મુજબ જ વર્તવાનું હોય છે.

·        પાપડી ભેગી ઈયળ બફાય- ખરાબ માણસ સાથે સારાને પણ નુકસાન થાય.

·        સંઘર્યા સાપ પણ કામ આવે- નકામી વસ્તુ પણ ક્યારેક કામમાં આવી જાય.

·        સોનાં કરતાં ઘડામણ મોઘું- વસ્તુ કરતાં તેની પાછળ થનાર ખર્ચ વધુ.

·        એક પગ દૂધમાં ને એક પગ દહીમાં- બેઉ બાજુનો લાભ મેળવવા પ્રયત્ન કરવો.

·        જાગ્યા ત્યારથી સવાર- નવા અનુભવથી નવી જિંદગી શરૂ કરવી.

·        દૂઝણી ગાયની લાત પણ સારી- ફાયદો કરાવનાર વ્યકતિના દોષ પણ સહી લેવા.

·        હાથી જીવે ત્યારે લાખનો, મારે તો સવા લાખનો- વ્યક્તિની કિંમત જીવતા થતી નથી, મર્યા પછી થાય છે.

·        લખ્યા લેખ મટે નહી- નસીબમાં હોય તેજ થાય.

·        અધૂરો ઘડો વધુ છલકાય- અપૂર્ણ માણસ વધુ ડંફાશ મારે.

·        બાવાના બેઉ બગડ્યાં- સાચી ધર્મભાવના વગરના ગુરુ હોય તો તે સંસાર સુખ તથા આધ્યાત્મિક સિદ્ધિ બંને ગુમાવે એટલે બંને તરફથી તેને લાભ ગુમાવવો પડે.

·        નાદાનની દોસ્તીને જાનનું જોખમ- મૂર્ખ મિત્રની દોસ્તી નુકસાન કરે.

·        છીંડે ચડ્યો તે ચોર- ચોરીની જગ્યાએ પકડાયો તે ચોર.

·        ખોદ્યો ડુંગરને નીકળ્યો ઉંદર- મહેનત ઘણી કરી પણ પરિણામ શૂન્ય.

·        મારું મારું વા વા ને બાકીનું બધું છી છી- પોતાનું બધું સારું અને પારકાનું બધુ ખરાબ.

·        કરણી તેવી ભરણી- જેવાં કર્મો તેવા પરિણામ.

·        દીવો લઇને કૂવામાં પડવું- જાણી જોઈને આફતમાં મુકાવું.

·        ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં- સારા નરસાનો કોઈ ભેદ નહિ એવી વિચિત્ર સ્થિતિ.

·        બાર ગાઉએ બોલી બદલાય- અમુક અંતરે ભાષા બદલાય છે.

·        પહેલું સુખ તે જાતે નર્યા- તંદુરસ્તી એ જ દુનિયાનું મોટું સુખ છે.

·        એક પંથને દો કાજ- એક ધક્કામાં બે કામ થાય.

·        જાગતાની પાડી ને ઊંઘતાનો પાડો- સાવધાન રહેનાર સુખી થાય.

·        ભીખનાં હાલ્લાં શીકે ન ચડે- ભીખ માંગે શ્રીમંત ન થવાય.

·        ન મામા કરતાં કાણો મામો સારો- કરશું જ ન હોય તેના કરતાં થોડું હોય તે પણ સારું.

·        વાંઝણી બાઈ પ્રસૂતિની પીડા શું જાણે?- જેને અનુભવ નથી તેને પરિસ્થિતિનો ખ્યાલ ન આવે.

·        ચકલી નાની ને કેડકો મોટો- ગજા ઉપરાંતની વાત કરવી.

·        ઝાઝી સુયાણી વેતર વંઠે- બહુ લોકોથી કામ બગડે.

·        દૂધનો દાઝયો છાશ એય ફૂંકીને પીએ- એક ખરાબ અનુભવ માણસને વધુ સાવધાન બનાવે છે.

·        કોઈની ટોપી કોઈના માથે- જવાબદારી બીજાને સોપવી.

·        અધૂરો ઘડો છલકાય ઘણો- જેની પાસે ઓછું હોય તે વધારે દેખાડવાનો પ્રયત્ન કરે.

·        લૂંટવા તો રાજાને- સામાન્ય માણસને હેરાન ન કરવો.

·        કાગડાને કોટે રતન- અયોગ્ય પાત્રને સારી વસ્તુ મળવી.

·        આંગળીથી નખ વેગળા તે વેગળા- દૂરના માણસો દૂર જ રહેવાના.

·        ભલું થયું ભાંગી જંજાળ- ઉપાધિમાંથી છૂટ્યા તે સારું થયું.

·        ઉતાવળે આંબા ન પાકેધીરજથી કામ સારું થાય.

·        કાળા અક્ષર ભેસ બરાબર- અભણ કે અજ્ઞાની હીવું.

·        માગ્યા મેંહ વરસે નહીં- આપણી ઈચ્છા પ્રમાણેનું કામ થાય નહી.

·        અકર્મીનો પડિયો કાણો- કમનસીબ વ્યક્તિના ભાગમાં વધારે દુઃખ હોવું.

·        ભરોસાની ભેસ પાડો જણે- વિશ્વાસુ માણસ જ છેતરે.

·        માનો તો દેવ નહીતર પથરા- ભક્તિ એ શ્રદ્ધાનો વિષય છે.

·        છછુંદરની છયે સરખાં- કોઈમાં વિશેષ ગુણ નહીં.

·        જેવો દેશ તેવો વેશ- જ્યાં રહીએ ત્યાની જેવી રહેણી કહેણી.

·        ગંજીનો ફૂતરો ખાય નહિ અને ખાવા દેય નહિ- અદેખો સ્વભાવ.

·        રાત થોડીને વેશ ઝાઝા- સમય થોડો ને કામ વધારે.

·        ધરમના કામમાં ઢીલ નહી- સારા કામમાં વિલંબ કરવો નહી.

·        ખુશામત તો ખુદાને પણ પ્યારી છે- વખાણ સૌને ગમે.

·        આગળ ઉલાળ પાછળ ધરાળ- કોઈ સાથે કંઈ લેવાદેવા નહીં.

·        બિલાડીના કૂદકે શીકુ ના તૂટે- આપણી આશાએ કામ ના થાય. 

·        ગરજ ગાંઠે ને વિધા પાઠે- પૈસા પાસે અને વિધા મોઢે જોઈએ.

·        શેઠ પ્રતિ શાઠ્ય- જેવા સાથે તેવા.

·        બાઈ બાઈ ચારણી- પોતાની જવાબદારી બીજાને આપી જવાબદારીમાંથી છૂટી જવું.

·        નાચવું નહીને કહે તારું આંગણું વાંકું- કામ ન કરવું હોય એટલે બહાનાં બતાવવાં.

·        લિયે લાલો ને ભરે હરદા- વાંક કોઈનો ને શિક્ષા બીજાને થાય.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)