Type Here to Get Search Results !

નર્મદા નદી

Prakashkumar Gamit 0

નર્મદા નદી

નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગાયમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૩૧૨ કી.મી. છે.નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. સાતપુડા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાંક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે.

નર્મદા નદીનો ઇતિહાસ પાંચ લાખ વર્ષ પુરાણો હોવાનું કહેવાય છે. તે શિવના શરીરમાંથી નીકળેલી છે એવી હિંદુઓમાં પ્રચલિત પૌરાણિક માન્યતા છે. તેથી તે ગંગા પછીના બીજા ક્રમે પવિત્ર ગણાય છે. ભરૂચથી અમરકંટક  સુધીના તેના બંને તટનો મળીને મહાપ્રદક્ષિણાપથ લગભગ ૨૫૬૦ કિમી. જેટલો છે. કેટલાક અતિ શ્રદ્ધાળુ ભક્તજનો તેની પ્રદક્ષિણા પણ કરે છે. તેના કાંઠા પર રામાયણ અને મહાભારત-કાળના ઋષિમુનિઓનાં આશ્રમો અને તપોભૂમિઓ હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. બીજી શતાબ્દીમાં ગ્રીક ભૂગોળવેત્તા ટૉલેમીએ તેનો નર્મદે (Narmade) તરીકે ઉલ્લેખ કરેલો છે. વળી ગંગા નદી અને અરબી સમુદ્ર વચ્ચેના મહત્ત્વના જળવ્યવહાર માટે તેને ઉપયોગી ગણાવેલી છે. સાતમી સદીમાં તેના કાંઠાના પ્રદેશોમાં ઘણાં સામ્રાજ્યો ઊભાં થયેલાં; જેમાં ગુપ્ત, શક, હર્ષ, પુલકેશી, રાષ્ટ્રકૂટ, ચૌલ અને પરમાર વંશનાં સામ્રાજ્યો વિશેષ ઉલ્લેખનીય છે.

નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે. ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે. નર્મદા નદીનો ઉપયોગ સિંચાઈ તથા વાહનવ્યવહાર માટે થાય છે. ચોમાસા દરમ્યાન ભરૂચ તથા અન્ય ભાગોમાં નાની મોટી હોડીઓ/વહાણોની મદદથી વાહનવ્યવહાર ચાલે છે.

સરદાર સરોવર

આ નદી પરની સરદાર સરોવર યોજનાઅને જળવિદ્યુત યોજનાગુજરાત રાજ્યના વિકાસની જીવાદોરી ગણાય છે. તેનો લાભ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને ઓછાવત્તા પ્રમાણમાં મળશે.



 નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની નજીક સરદાર સરોવર બંધનો પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. બંધની ઊચાઇ ૧૩૮.૬૮ મીટર છે. આ બંધ ૧૨૧ મીટર સુધી બંધાતા ગુજરાતના લોકોનુ સ્વપ્ન સફળ થયું છે. આ યોજના દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્ટ્રકચ્છ તથા ઉત્તર ગુજરાતમાં પહોંચાડાઇ રહ્યું છે. મધ્ય પ્રદેશમહારાષ્ટ્ર છત્તીસગઢ તથા રાજસ્થાનને પણ પાણી તથા વીજળી પહોચાડવામાં આવશે. સરદાર સરોવર બંધ તેની પર્યાવરણ પરની અસરને કારણે વિવાદોમાં સપડાયો હતો. મેધા પાટકર તથા અરૂંધતી રોય બંધ વિરોધી ચળવળના આગેવાનો હતા. મેધા પાટકરના નર્મદા બચાઓ આંદોલને બંધનું કામ અટકાવવાની પહેલ પણ કરી હતી, પરંતુ ૧૯૯૯માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે સરકારને બંધ ઝડપભેર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો અને બંધને રોકવાની પહેલને વખોડી કાઢી હતી.

નર્મદા દેશની સૌથી પવિત્ર નદીઓ પૈકીની એક ગણાય છે. નર્મદા નદીનું પ્રાચીન નામ રેવા છે. હિંદુ ધર્મ પ્રમાણે, નર્મદા ૭ કલ્પોથી વહે છે. આ નદી છોટા છોટા ઉદેપુર જિલ્લાના હાંફ પાસેથી ગુજરાતમાં પ્રવેશે છે. કુદરતી પ્રક્રિયાથી ઘસાઈને બનેલા નર્મદા કાંઠાના પથ્થરોને બનાસ કહેવાય છે જે શીવલીંગ તરીકે પણ પૂજાય છે. તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલા અને દક્ષિણના મહાન રાજા રાજરાજા ચોલાએ બનાવેલા બૃહદેશ્વર મંદિરમાં સૌથી મોટું બનાસ-શીવલીંગ સ્થાપિત છે. નર્મદા નદીને કાંઠે શ્રી આદી શંકરાચાર્ય તેમના ગુરૂ ગોવિંદ ભગવત્‌પાદને મળ્યા અને દિક્ષા ગ્રહણ કરી હતી. ચાલુક્ય રાજા પુલકેશી બીજાએ નર્મદા નદીને કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો. નર્મદા નદીની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે. જેમાં યાત્રળુઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું ચાલુ કરી નર્મદાના મુખને ફરીને ચાલતા બીજા કાંઠે છેક સમુદ્ર પર આવે છે. આ યાત્રા કરતાં આશરે એક થી બે વર્ષ લાગે છે. જબલપુરમાં ચિત્રકળાનું શિક્ષણ આપતા જાણીતા ચિત્રકાર અમૃતલાલ વેગડે નર્મદાની પરિક્રમા પગપાળા ચાલીને કરેલી છે. તેમના યાત્રાના વર્ણનો પુસ્તકો રૂપે ઉપલબ્ધ છે.

ભારતનાં મોટાભાગનાં શિવમંદિરોની મૂર્તિઓ આ નદીમાંથી મળી આવેલા પથ્થરમાંથી બનેલી છે. કાર્તિકી પૂનમ અને સોમવતી અમાસનાં પર્વો પર આ નદીના કાંઠે ક્યાંક ક્યાંક મેળા પણ ભરાય છે. ઘણા ભાવિકો આ નદીની પરકમ્મા (પ્રદક્ષિણા) કરે છે. આદિ શંકરાચાર્યે આ નદીની સ્તુતિ રૂપે સંસ્કૃતમાં રચેલું નર્મદાષ્ટકખૂબ લોકપ્રિય છે.

નર્મદા નદી સંશોધન માટે પણ મહત્વની છે. તેની ખીણ માંથી રાજાસોરસ નામનાં ડાયનાસોરનાં અવશેષો મળી આવેલાં છે.

 નમામિ નર્મદે




સ્ત્રોત :વેબસાઇટ 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.