Subhadra kumari Chauhan

0

 

Subhadra kumari Chauhan

સુભદ્રા કુમારી ચૌહાણ ભારતીય કવયિત્રી

(૧૬ ઓગસ્ટ ૧૯૦૪ ૧૬ ફેબ્રુઆરી ૧૯૪૮)


સુભદ્રા કુમારી ચૌહાણનો જન્મ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના નિહાલપુર ગામના રાજપૂત પરિવારમાં ૧૬ ઓગષ્ટ ૧૯૦૪  થયો હતો. તેમણે પોતાનું પ્રાંરભિક શિક્ષણ પ્રયાગરાજની ક્રોથવેઇટ ગર્લ્સ સ્કૂલમાંથી મેળવ્યું હતું અને ૧૯૧૯માં મિડલ સ્કૂલની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૧૯ ના વર્ષમાંજ તેમના લગ્ન ખંડવાના ઠાકુર લક્ષ્મણ સિંહ ચૌહાણ સાથે લગ્ન થયા હતા. તેમને પાંચ બાળકો હતા.

૧૯૪૧માં સુભદ્રા કુમારી અને તેમના પતિ મહાત્મા ગાંધીના અસહયોગ આંદોલનમાં જોડાયા હતા. આંદોલનમાં તેમની ભૂમિકા બદલ નાગપુરમાં ધરપકડ થનાર તેઓ પ્રથમ મહિલા સત્યાગ્રહી હતા. ૧૯૨૩ અને ૧૯૪૨માં બ્રિટિશ શાસન સામેના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા બદલ તેમને બે વખત જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

તેઓ તત્કાલીન મધ્ય પ્રાંત વિધાનસભાના સભ્ય હતા. વિધાનસભા સત્રમાં ભાગ લીધા બાદ નાગપુરથી જબલપુર પરત ફરતી વખતે મધ્ય પ્રદેશના સિવની નજીક કાર અકસ્માતમાં ૧૯૪૮માં તેમનું અવસાન થયું હતું.

સુભદ્રાકુમારીએ હિન્દી કવિતામાં ઘણી લોકપ્રિય કૃતિઓ લખી હતી. તેમની સૌથી પ્રખ્યાત રચના ઝાંસી કી રાની છે, જે રાણી લક્ષ્મીબાઈના જીવનનું વર્ણન કરતી ભાવનાત્મક રચના છે. કવિતામાં બ્રિટિશ ભારત અને ૧૮૫૭ની ભારતીય ક્રાંતિમાં લક્ષ્મીબાઈની ભૂમિકા તેમજ રાણીના જીવનનું ભાવનાત્મક રીતે વર્ણન કરવામાં આવ્યું છે. કવિતાના પ્રત્યેક અંતરામાં પુનરાવર્તિત થતી જાણીતી પંક્તિઓ આ મુજબ છે:

बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,

खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।

ઝાંસી કી રાની અને તેમની અન્ય કવિતાઓ: જલિયાંવાલા બાગ મેં બસંત,વીરો કા કૈસા હો બસંત, રાખી કી ચુનૌતી, અને વિદા ખુલ્લેઆમ સ્વતંત્રતા ચળવળ વિશે વાત કરે છે. કહેવાય છે કે તેમની આ રચનાઓએ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભારતીય યુવાનોને પ્રેરણા આપી હતી. ઝાંસી કી રાની કવિતાનો પ્રારંભિક અંતરો આ પ્રમાણે છે:

झाँसी की रानी

सिंहासन हिल उठे राजवंशों ने भृकुटी तानी थी,

बूढ़े भारत में भी आई फिर से नयी जवानी थी,

गुमी हुई आज़ादी की कीमत सबने पहचानी थी,

दूर फिरंगी को करने की सबने मन में ठानी थी।

चमक उठी सन सत्तावन में, वह तलवार पुरानी थी,

बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,

खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।

સુભદ્રા કુમારી ચૌહાણે હિન્દીની ખડીબોલીમાં  સાદી, સ્પષ્ટ શૈલીમાં લખ્યું હતું. તેમણે શૌર્યપૂર્ણ કવિતાઓ ઉપરાંત બાળકો માટે કવિતાઓ પણ લખી હતી. આ ઉપરાંત, તેમણે મધ્યમ વર્ગના જીવન પર આધારિત કેટલીક ટૂંકી વાર્તાઓ પણ લખી હતી.



કાવ્ય સંગ્રહ

ખિલૌનેવાલા

ત્રિધારા

મુકુલ (૧૯૩૦)

યે કદમ્બ કા પેડ

સીધે-સાદે ચિત્ર (૧૯૪૬)

મેરા નયા બચપન (૧૯૪૬)

બિખરે મોતી (૧૯૩૨)

ઝાંસી કી રાની

ભારતીય તટરક્ષક દળના એક જહાજને સુભદ્રા કુમારી ચૌહાણનું નામ આપવામાં આવ્યું છે.  મધ્ય પ્રદેશ સરકારે જબલપુરની મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી સામે તેમની પ્રતિમા સ્થાપિત કરી હતી.

૬ ઓગસ્ટ, ૧૯૭૬ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

૧૬ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ સર્ચ એન્જિન ગૂગલે સુભદ્રા કુમારીને તેમની ૧૧૭મી જન્મજયંતિ પર ગૂગલ ડૂડલ સાથે યાદ કર્યા હતા. ગૂગલે ટિપ્પણી કરી હતી કે: સુભદ્રાકુમારી ચૌહાણની કવિતા ઐતિહાસિક પ્રગતિના પ્રતીક તરીકે ઘણા ભારતીય વર્ગખંડોમાં મુખ્ય છે, જે ભાવિ પેઢીઓને સામાજિક અન્યાય સામે ઉભા થવા અને રાષ્ટ્રના ઇતિહાસને આકાર આપતા શબ્દોની ઉજવણી કરવા પ્રોત્સાહિત કરે છે.




સંદર્ભ : વિકિમીડિયા અને સંબંધિત માધ્યમો

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)