Holi : 2023

0

 

હોળી


 

હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે  ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે  એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોળીકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.

હોળીનાં બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

આંધ્રપ્રદેશમાં હોળીકા દહનનો તહેવાર "કામ દહન" તરીકે ઓળખાય છે.

હોળી સાથે પૌરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશ્યપ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઇપણથી તેનું મૃત્યુ થશે નહીં', આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.

આ દરમિયાન, હિરણ્યકશ્યપનો પોતાનો દિકરો પ્રહલાદ જે ભગવાન વિષ્ણુ ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા બીક બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદ્દેશથી હિરણ્યકશ્યપે પ્રહલાદને, પોતાની બહેન હોળીકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોળીકા, કે જેની પાસે એક એવી ઓઢણી  હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં માથા પરથી ઉડી અને પ્રહલાદને વીંટાઈ ગઈ, આથી હોળીકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોળીકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપના વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશ્યપનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.

આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્રારા કામદહનની કથા પણ છે.

હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન, બ્રહ્માંડમાં અલગ અલગ તેજકિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે.

ક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓની પરંપરાગત હોળીની ઉજવણી - આદિવાસીઓ આ પર્વને હોળીબાઈનું લગ્ન પણ કહે છે, બાલિકાઓ-યુવતીઓ મોડી રાત સુધી સૂરીલા કંઠે હોળીના લોલો ગાય છે ગુજરાતના અંબાજીથી લઈ ડાંગ તથા વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, ઉમરગામ સુધીની પૂર્વપટ્ટીના પર્વતીય અને જંગલ વિસ્તારમાં આદિવાસી પ્રજા વસે છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના જંગલો તથા ડુંગરોના ખોળામાં આદિવાસીઓની વિવિધ જાતિઓ વસવાટ કરે છે. આ આદિવાસી પ્રજાએ સદીઓથી પોતાની આગવી જીવનશૈલી અને સંસ્કૃતિને જાળવી રાખી છે. આદિવાસીઓની આ આગવી જીવનશૈલી તથા સંસ્કૃતિ એમના ધાર્મિક ઉત્સવોની ઉજવણી, એમના નૃત્યો, વાજિંત્રો, લગ્નપ્રથા, દેવી-દેવતા, આભૂષણો, રહેણીકરણી વગેરેમાં પ્રતિબિંબિત થાય છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓની મુખ્ય જાતિઓમાં ઢોડિયા પટેલ, કુંકણા,ગામીત, ચૌધરી, વસાવા, વારલી, હળપતિ, કોલઆ (કોલધા), નાયકા, કોટવાળિયા વગેરેનો સમાવેશ થાય છે. આદિવાસી પ્રજા હોળી, દિવાસો, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોની પોતાની આગવી રીતે ઉજવણી કરે છે. ફાગણ સુદ એકમથી જ આ તહેવારની ઉજવણીની તૈયારી શરૂ થઈ જાય છે. વૈદિક કાળમાં હોળી વેદમંત્રો ઉચ્ચારીને પ્રગટાવવામાં આવતી તથા હોળીમાં અનાજ ધાન્યની આહુતિ આપવામાં આવે છે. આદિવાસીઓ પણ મુહૂર્ત જોઈને હોળી પ્રગટાવે છે. તેઓ હોળી વાંસ, સાવરણી, કેસુડાના ફૂલ, સાવરના ફૂલ, ટોપલી, સૂપડા વગેરે વસ્તુઓ હોળી માતાને પધરાવે છે. આંબાના મોરવા હોળી માતાને ધરાવ્યા પછી જ આરોગે છે. આદિવાસીઓ આ પર્વને હોળીબાઈનું લગ્ન પણ કહે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના ગામેગામ હોળી પ્રગટાવાય છે. હોળીબાઈના ગીતો ગાવામાં આવે છે. આ ગીતો દ્વારા આદિવાસીઓ તેમની જુદી જુદી દેવીઓને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા વિનવણી કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં હોળીબાઈના માસ્ક સાથે આદિવાસીઓ તેને શરગાણીને હાટ બજારમાં ફરે છે. આદિવાસીઓ પ્રકૃતિની વચ્ચે રહે છે અને તેની ઉપાસના કરે છે. આદિવાસી જનજાતિઓ માટે હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો ગણાય છે. બાલિકાઓ-યુવતીઓ મોડી રાત સુધી સૂરીલા કંઠે હોળીના લોલો ગાય છે. 

ભારતનાં મહાન ભક્ત કવિઓએ પણ હોળીનું વર્ણન કરતા ભજનો લખ્યા છે જેમાં:

"રંગ દે ચુનરિયા.."મીરાંબાઇ

"કિનુ સંગ ખેલું હોલી.."-મીરાં બાઈ

તહેવારોનું ધાર્મિક મહત્વ હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. પરંતુ હોળી દહન એ વાતનું પ્રતિક છે કે માણસ પોતાના મનના ખરાબ વિચારોને હોળીની આગની અંદર સળગાવી દે. આનાથી મન નિર્મળ રહેશે અને ભક્ત પ્રહલાદની જેમ આગની અંદરથી તપેલા સોનાની જેમ નિખરીને નીકળશે.

વસંત આવવાની ખુશીમાં ઝાડના સુકાયેલ પાંદડા અને લાકડાઓને એકઠાં કરીને સળગાવી દેવા જ તેનો ઉદ્દેશ્ય રહ્યો હશે. પરંતુ અત્યારે તો લોકો દ્વારા મોંઘા લાકડાને સળગાવવામાં આવે છે. આ હોળીનું વિકૃત સ્વરૂપ છે. બીજા દિવસે હોળીની અગ્નિમાં ઘઉંના ડુંડા શેકવાનો રિવાજ છે. આનું કારણ એ છે કે આ દિવસોમાં ઘઉંનો પાક તૈયાર થઈ જાય છે. નવા પાકને અગ્નિના દેવતાને સમર્પિત કરવાની સાથે સાથે તે પણ સાબિત થાય છે કે આ વખતનો પાક કેવો છે?
            હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર આવે છે. એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. આ બહાને લોકો બધા જ મતભેદ ભુલીને એક થઈ જાય છે. હોળીનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ છે. લોકોના મનમાં ઘણાં પ્રકારના મનોવિકાર છુપાયેલા રહે છે. આ સમાજના ભયથી કે શાલીનતાવશ પ્રગટ નથી થતાં. પરંતુ હોળીના દિવસે વ્યક્તિ ખુબ જ ઉલટા સીધા કામ કરવા માટે સ્વતંત્ર બની જાય છે. હાસ પરિહાસ, ઉપહાસ, મશ્કરી, મજાક-મસ્તીના માધ્યમથી બધી જ ખરાબ ભાવનાઓ છુટી જાય છે. આ રીતે વ્યક્તિ તન-મનથી પોતાની જાતને હલ્કી-ફુલ્કી અનુભવે છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પુર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે તેથી હવે ગરમ પાણીથી નહાવાની કોઈ જ જરૂરત નથી. હવે ઠંડા પાણીથી નહાવામાં કોઈ જ નુકશાન નથી.

સ્ત્રોત : વિકિપીડિયા, ઈન્ટરનેટ  

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)